અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી રસપ્રદ બની રહી છે. મંગળવારે મોડી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પ્રથમ ડિબેટ થઈ હતી. જેમાં બંને ઉમેદવારોએ પોતપોતાના આક્ષેપ સાથે અન્ય ઉમેદવારને ચૂપ કરી દીધા હતા. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ઈઝરાયેલ પર અમેરિકાની વર્તમાન નીતિ ઘણી નકામી છે. જો કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનશે તો આગામી બે વર્ષમાં ઈઝરાયેલનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જોકે હેરિસે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કમલા હેરિસે વળતો પ્રહાર કરતા સવાલો ઉઠાવ્યા હતા અને ટ્રમ્પની ગર્ભપાત નીતિની ટીકા કરતા કહ્યું હતું કે ટ્રમ્પ કોઈ મહિલાને કહેશે નહીં કે તેણે તેના શરીર સાથે શું કરવું જોઈએ.
યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024 માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વ્હાઇટ હાઉસની પ્રતિસ્પર્ધી કમલા હેરિસની અમેરિકાના સાથી ઇઝરાયેલને બચાવવા માટે બહુ ઓછા પ્રયાસો કરવા બદલ ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે કમલા હેરિસના નેતૃત્વમાં બે વર્ષમાં ઈઝરાયેલનો “નાશ” થઈ જશે. ટ્રમ્પે પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન કહ્યું હતું કે, “તે ઈઝરાયેલને નફરત કરે છે. જો તે રાષ્ટ્રપતિ બને છે, તો હું માનું છું કે હવેથી બે વર્ષમાં ઈઝરાયેલનું અસ્તિત્વ નહીં રહે.”
કમલા હેરિસનો વળતો હુમલો
ડેમોક્રેટિક વાઇસ પ્રેસિડેન્ટે વળતો પ્રહાર કરતા કહ્યું કે ટ્રમ્પનો તેમના પર ઇઝરાયેલને નફરત કરવાનો આરોપ “સંપૂર્ણપણે સાચો નથી” અને તેમણે તેમના જીવન અને કારકિર્દી દરમિયાન તે દેશને ટેકો આપ્યો છે.
ટ્રમ્પે મહિલાઓને તેમના શરીર સાથે શું કરવું તે કહેવું ન જોઈએ
ડોનાલ્ડ ટ્રમ્પ પર વળતો હુમલો કરતા, ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે ટ્રમ્પની ગર્ભપાત નીતિ પર પ્રશ્નો ઉઠાવ્યા. કહ્યું, “કોઈએ પણ સરકાર સાથે સંમત થવા માટે તેમની શ્રદ્ધા અથવા ઊંડી માન્યતાઓને છોડી દેવી ન જોઈએ, અને ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ પણ મહિલાને કહેવાનો કોઈ અધિકાર નથી કે તેણે તેના શરીર સાથે શું કરવું જોઈએ.” “મને લાગે છે કે અમેરિકન લોકો માને છે કે અમુક સ્વતંત્રતાઓ, ખાસ કરીને પોતાના શરીર વિશે નિર્ણય લેવાની સ્વતંત્રતા, સરકાર દ્વારા છીનવી ન જોઈએ,” કમલાએ કહ્યું.
તેના જવાબમાં ટ્રમ્પે ગર્ભપાત કાયદાનો બચાવ કરતા કહ્યું કે કેટલાક રાજ્યોમાં બાળકોને જન્મ પછી મારી નાખવામાં આવે છે. મધ્યસ્થે વિક્ષેપ પાડ્યો અને કહ્યું, “આ દેશમાં એવું કોઈ રાજ્ય નથી જ્યાં બાળકને જન્મ આપ્યા પછી મારી નાખવાનું કાયદેસર હોય.” ટ્રમ્પે છ સપ્તાહના ગર્ભપાત પ્રતિબંધને સમર્થન આપવાના તેમના નિર્ણયનો બચાવ કર્યો અને કહ્યું કે “ડેમોક્રેટ્સ તેમની ગર્ભપાત નીતિઓમાં કટ્ટરપંથી છે”.