દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છે. રતન ટાટાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના NCPA લૉનમાં રાખવામાં આવ્યો છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ઉદ્યોગપતિ રતન નવલ ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
નેપાળના પીએમએ શોક વ્યક્ત કર્યો
કેપી શર્મા ઓલીએ ટ્વીટ કર્યું, ‘ઉદ્યોગના સાચા દિગ્ગજ રતન ટાટાના નિધનથી ખૂબ જ દુઃખ થયું. વ્યવસાય તેમજ સામાજિક કાર્યમાં તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ ભારત પૂરતું મર્યાદિત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા મોટી સંખ્યામાં લોકોના જીવનને પ્રભાવિત કર્યું. તેમનો વારસો અને સકારાત્મક પ્રભાવ સમાજમાં હંમેશા યાદ રહેશે.
નેપાળમાં ટાટાના ઘણા પ્રોજેક્ટ છે
તમને જણાવી દઈએ કે, પાવર પ્લાન્ટ્સ અને ટાટા ટેલિકોમ્યુનિકેશન્સ સિવાય ટાટા ગ્રૂપ નેપાળમાં ઘણા પ્રોજેક્ટ ચલાવે છે. તાજેતરમાં ટાટા ગ્રુપે નેપાળમાં ઇલેક્ટ્રિક કાર પણ લોન્ચ કરી છે. નેપાળના કાર માર્કેટમાં ટાટા ગ્રૂપનો નોંધપાત્ર હિસ્સો છે.
શું કહ્યું સુંદર પિચાઈએ
Google અને Alphabet ના CEO સુંદર પિચાઈએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “Google પર રતન ટાટા સાથેની મારી છેલ્લી મુલાકાતમાં, અમે ‘Waymo’ની પ્રગતિ વિશે વાત કરી હતી અને તેમનું વિઝન પ્રેરણાદાયક હતું.” તેમણે એક અસાધારણ વ્યવસાય અને પરોપકારી વારસો છોડ્યો છે અને ભારતમાં આધુનિક બિઝનેસ લીડરશીપને માર્ગદર્શન આપવા અને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.”