પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે ગેમ્સના 9મા દિવસે એક સુવર્ણ અને એક કાંસ્ય સહિત બે મેડલ સાથે તેનું રેકોર્ડબ્રેક પ્રદર્શન ચાલુ રાખ્યું છે. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા 27 થઈ ગઈ છે. પ્રવીણ કુમારે ઉંચી કૂદમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે હોકાટો હોટોઝે સેમાએ શોટપુટમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. પ્રવીણના ગોલ્ડ સાથે ભારત પેરાલિમ્પિક્સમાં પણ ઈતિહાસ રચવામાં સફળ રહ્યું છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 6મો ગોલ્ડ મેડલ છે, જે આ ગેમ્સમાં ભારત દ્વારા જીતવામાં આવેલા સૌથી વધુ ગોલ્ડ મેડલ છે.
અગાઉ ભારતે 2020 ટોક્ટો પેરાલિમ્પિક્સમાં 5 ગોલ્ડ જીત્યા હતા. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત અત્યાર સુધી 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં 17માં સ્થાને છે. આ દરમિયાન ચીન 83 ગોલ્ડ, 64 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ સાથે યાદીમાં ટોચ પર છે. ચીન સિવાય ગ્રેટ બ્રિટન 100 મેડલના આંકને સ્પર્શવામાં સફળ રહ્યું છે.
શુક્રવારે પ્રવીણ કુમારે ઉંચી કૂદની T64 ઈવેન્ટમાં નવા એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 2.08 મીટર ક્લીયર કરીને સતત બીજો પેરાલિમ્પિક મેડલ જીત્યો. અગાઉ, તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 2.07 મીટરની ઊંચાઈ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. દરમિયાન, હોકાટો હોટોઝે સેમાએ શોટ પુટ F57 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. વર્તમાન પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો 27મો મેડલ સુરક્ષિત કરવાના ચોથા પ્રયાસમાં 40 વર્ષીય ખેલાડીએ 14.65નો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો હતો.