ન્યૂઝીલેન્ડે બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદના વિક્ષેપમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ ન્યૂઝીલેન્ડે આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. રવિવારે મેચના પાંચમા અને છેલ્લા દિવસે કિવી ટીમને જીતવા માટે 107 રનની જરૂર હતી, જે તેણે આઠ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધી હતી.
ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી, રચિન રવિન્દ્રના 134 રન અને ડેવોન કોનવેના 91 રનની મદદથી ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 402 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન (150)ની પ્રથમ ટેસ્ટ સદી અને ઋષભ પંતના 99 રનની મદદથી ભારતે બીજા દાવમાં 462 રન બનાવીને ન્યૂઝીલેન્ડને આસાન ટાર્ગેટ આપ્યો હતો.
36 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો
ખરાબ પ્રકાશને કારણે મેચના ચોથા દિવસે રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. પાંચમા દિવસે પણ રમત મોડી શરૂ થઈ હતી. દિવસના પહેલા જ બોલ પર જસપ્રીત બુમરાહે કિવિ ટીમના કેપ્ટન ટોમ લાથમને એલબીડબ્લ્યૂ કરીને મુશ્કેલીમાં મૂક્યો હતો. જો કે, કોનવે અને વિલ યંગે તેમની ટીમને આ સમસ્યામાંથી બહાર કાઢી હતી. ભારતીય બોલરોએ બંનેને પરેશાન કર્યા પરંતુ તેમને વિકેટ પર પગ જમાવતા રોકી શક્યા નહીં. આ બંને વચ્ચે માત્ર 35 રનની ભાગીદારી કિવી ટીમને મેચમાં પરત લાવી હતી.
બુમરાહે કોનવેને આઉટ કરીને ભારતની આશા વધારી, પરંતુ યંગને ફરીથી રવિન્દ્રનો ટેકો મળ્યો અને તેઓએ સાથે મળીને ભારતની હાર નક્કી કરી. 36 વર્ષ બાદ ભારતમાં ન્યૂઝીલેન્ડની આ પ્રથમ ટેસ્ટ જીત છે. આ પહેલા કિવી ટીમે 1988-89માં ઘરઆંગણે ભારતને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. રવિન્દ્ર 39 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે વિલ યંગ 47 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ભારત સામે ન્યૂઝીલેન્ડની આ માત્ર ત્રીજી ટેસ્ટ જીત છે.
ભારતમાં ન્યુઝીલેન્ડની ટેસ્ટ જીત
1969, નાગપુર, ન્યુઝીલેન્ડ 167 રનથી જીત્યું
1988, મુંબઈ, ન્યુઝીલેન્ડ 136 રને જીત્યું
2024, બેંગલુરુ, ન્યુઝીલેન્ડ 8 વિકેટે જીત્યું
આગામી બે મેચ મહત્વની છે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હજુ બે મેચ રમવાની બાકી છે. ભારતે આ બે મેચ જીતવી પડશે કારણ કે તો જ તે શ્રેણી જીતી શકશે. બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પૂણેમાં શરૂ થશે અને ત્રીજી ટેસ્ટ 1 નવેમ્બરથી વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે.