ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે વર્ષ 2025માં રમાનારી આઇપીએલની 18મી સિઝન માટે તમામ ફ્રેન્ચાઇઝી તેમના રિટેન કરાયેલા ખેલાડીઓને લઈને વ્યૂહરચના બનાવી રહી છે ત્યારે કેટલાકે તેમના કોચિંગ સ્ટાફમાં ફેરફારની જાહેરાત પણ કરી છે. આ દરમિયાન IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ માટે ફાસ્ટ બોલિંગ કોચની ભૂમિકા ભજવનાર ડેલ સ્ટેને એક મોટો નિર્ણય લઈને ટીમમાંથી વિદાય લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. ડેલ સ્ટેને આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટ દ્વારા આપી હતી, જેમાં તેણે સ્પષ્ટ લખ્યું હતું કે તે IPL 2025 માટે આવવાનો નથી.
હું સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો આભાર માનું છું
ડેલ સ્ટેનને ડિસેમ્બર 2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા તેની ટીમના ઝડપી બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેણે સતત ત્રણ સીઝન સુધી આ જવાબદારી નિભાવી છે. છેલ્લી IPL સિઝનમાં, ડેલ સ્ટેને હૈદરાબાદ ટીમના નવા કેપ્ટન પેટ કમિન્સ સાથે કામ કર્યું હતું, જેમાં ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. ડેલ સ્ટેન, પોસ્ટ કરતી વખતે હું IPL 2025 માટે પાછો નહીં આવું. જોકે, હું સાઉથ આફ્રિકામાં SA20માં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. બે વખત SA20 જીતનાર સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ સતત ત્રીજી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે.
સનરાઇઝર્સ હૈદરાબાદે 2024 સીઝન પહેલા તેના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા હતા
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે વર્ષ 2024માં રમાયેલી IPL સિઝન પહેલા તેના કોચિંગ સ્ટાફમાં ઘણા મોટા ફેરફારો કર્યા હતા, જેમાં ડેનિયલ વેટ્ટોરીને નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા, જો કે, તેમ છતાં, તેમણે ડેલ સ્ટેનને બોલિંગ કોચ તરીકે જાળવી રાખ્યો હતો. હવે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ પદ પર કોને નિયુક્ત કરે છે તેના પર સૌની નજર રહેશે.