કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ક્રિકેટ ટીમે ઘણા રેકોર્ડ બનાવ્યા. તેના એક દિવસ બાદ જ ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના 13 વર્ષના બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે ઈતિહાસ રચી દીધો છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ બિનસત્તાવાર અંડર-19 યુવા ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતે ઓસ્ટ્રેલિયાના 293 રનના જવાબમાં 14 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 103 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે, વૈભવ સૂર્યવંશીએ શાનદાર અડધી સદી (47 બોલમાં 81 રન) ફટકારી હતી અને 17 વર્ષનો વિહાન મલ્હોત્રા 27 રન બનાવીને અણનમ રહ્યો હતો.
બીજા દિવસે ભારતીય ઇનિંગ્સની શરૂઆતના થોડા સમય બાદ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ સદી પૂરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તે પ્રોફેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. પ્રોફેશનલ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ 13 વર્ષના ક્રિકેટરે સદી ફટકારવાની મોટી સિદ્ધિ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોના નામે હતો. શાંતોએ 14 વર્ષ અને 241 દિવસની ઉંમરે સિલ્હટમાં શ્રીલંકા અંડર-19 સામે યુવા ODI ક્રિકેટમાં સદી ફટકારી હતી.
વૈભવ U19 ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર પણ છે. તેણે અથર્વ તાયડેનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. તેણે 58 બોલમાં સદી ફટકારી અને આ રીતે મોઈન અલી પછી યુવા ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. મોઈન અલીએ વર્ષ 2005માં 56 બોલમાં સદી ફટકારી હતી.
ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર
- 13 વર્ષ 188 દિવસ – વૈભવ સૂર્યવંશી વિ AUSU19, ચેન્નાઈ, 2024 (યુવા ટેસ્ટ)
- 14 વર્ષ 241 દિવસ – નઝમુલ હુસૈન શાંતો વિ SLU19, સિલ્હેટ, 2013 (યુવા વનડે)
- 15 વર્ષ 48 દિવસ – બાબર આઝમ વિ SLU19, દામ્બુલા, 2009 (યુવા ઓડીઆઈ)
- 15 વર્ષ 105 દિવસ – નાસિર જમશેદ વિ SLU19, કરાચી, 2005 (યુવા ટેસ્ટ)
- 15 વર્ષ 167 દિવસ – મેહદી હસન મિરાજ વિ SLU19, મીરપુર, 2013 (યુવા ટેસ્ટ)
- 16 વર્ષ 92 દિવસ – બાબર આઝમ વિ WIU19, પામરસ્ટન નોર્થ, 2010 (યુવા ઓડીઆઈ)