છત્તીસગઢના કોરબા જિલ્લામાં મંગળવારે કોલસાની ખાણની સીમા દિવાલનો એક ભાગ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ પણ થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (SECL) ની ગેવરા ઓપન-કાસ્ટ કોલસા ખાણમાં વહેલી સવારે બની હતી. તે હરદી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે.
પ્રારંભિક માહિતી અનુસાર, દીપકા અને ગેવરા ખાણોની સીમા દિવાલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો ત્યારે ત્રણેય કોલસાની ચોરી કરવા માટે ખાણમાં પ્રવેશ્યા હોવાનો આરોપ છે. અધિકારીએ જણાવ્યું કે, કોલસાના કાટમાળમાં ફસાઈ ગયેલા વિશાલ યાદવ (૧૮) અને ધન સિંહ કંવર (૨૪) ના મોત થયા હતા, જ્યારે સાહિલ ધનવર ઘાયલ થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ખાણ વ્યવસ્થાપન અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલ વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બે મૃતદેહ મળી આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે વધુ તપાસ ચાલુ છે.
SECL ના જનસંપર્ક અધિકારી સનિષ ચંદ્રાએ જણાવ્યું હતું કે ત્રણેય માણસો ખાણની સીમામાંથી કોલસો લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના કારણે કોલસાનું સ્તર તૂટી પડ્યું. તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય માણસો કોઈપણ પરવાનગી વિના અને ખાણના સુરક્ષા બિંદુઓને બાયપાસ કરીને ખાણમાં પ્રવેશ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે SECL મેનેજમેન્ટે લોકોને આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરી છે.