ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવો ઓછી આવક ધરાવતા લોકો માટે તહેવારોનો સ્વાદ બગાડી રહ્યા છે. ખાદ્યપદાર્થોની ખરીદી પર વધુ ખર્ચ થવાને કારણે ઓછી આવક ધરાવતા ગ્રાહકો માલની ખરીદી મોકૂફ રાખી રહ્યા છે અને તેની અસર ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FSCG)ની ખરીદી પર પણ જોવા મળી શકે છે.
તહેવાર દરમિયાન બટેટા, ડુંગળી, ટામેટા, ઘી, તેલ જેવી વસ્તુઓનો વધુ ઉપયોગ થાય છે અને આ તમામના ભાવ ગત વર્ષની સરખામણીમાં 10 ટકાથી વધુ વધી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં શાકભાજીના ભાવમાં 36 ટકાનો વધારો થયો છે.
સરકારી આંકડા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓનો છૂટક મોંઘવારી દર સપ્ટેમ્બરમાં 9.24 ટકાના સ્તરે પહોંચી ગયો હતો. આનો અર્થ એ થયો કે ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં ખાદ્યપદાર્થો 9.24 ટકા મોંઘા થયા છે. આ વર્ષે ઓગસ્ટમાં ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર 5.66 ટકા હતો.
કૃષિ કોમોડિટીના દૈનિક જથ્થાબંધ ભાવો દર્શાવતી સરકારી સાઈટ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓક્ટોબરમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 2000નો વધારો થઈ રહ્યો છે. બટાટાના જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 400 અને ટામેટાંના ભાવ રૂ. 5600 પ્રતિ ક્વિન્ટલ વધ્યા છે.
ગયા વર્ષના ઑક્ટોબરની સરખામણીએ આ વર્ષે ઑક્ટોબરમાં કઠોળના જથ્થાબંધ ભાવમાં પણ 10 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબરમાં વિવિધ પ્રકારના ઘઉંના સરેરાશ જથ્થાબંધ ભાવમાં 11-17 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તહેવાર દરમિયાન સરસવના તેલ અને ઘીનો પણ વધુ ઉપયોગ થાય છે અને બંનેના ભાવ પણ વધી ગયા છે.
મોંઘવારીથી પરેશાન ગ્રાહકો
સરકારી આંકડા અનુસાર, ઓક્ટોબર 2022ની સરખામણીમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં ખાદ્ય તેલના છૂટક ભાવમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં ખાદ્ય તેલના ભાવમાં 2.5 ટકાનો વધારો થયો છે. કઠોળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગયા વર્ષની સરખામણીમાં તેમાં 10 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ દાળના ભાવમાં 15 ટકાથી વધુનો વધારો થયો હતો.
નિષ્ણાતો કહે છે કે દેશમાં 60 ટકાથી વધુ લોકો દર મહિને માત્ર 10-30 હજાર રૂપિયા કમાય છે. આવી સ્થિતિમાં, તહેવાર દરમિયાન તેમની મોટાભાગની કમાણી ખાવા-પીવાની વસ્તુઓ પર ખર્ચવામાં આવે છે.