IPLની 18મી આવૃત્તિ દરમિયાન રાજસ્થાન રોયલ્સ પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA)ના સંયોજક જયદીપ બિહાનીએ સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી આ ટીમ પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. આ પછી, રાજસ્થાન રોયલ્સ દ્વારા આ બધા આરોપોને ફગાવી દેવામાં આવ્યા. હવે આ વિવાદમાં એક નવી વાત પ્રકાશમાં આવી રહી છે.
રાજસ્થાન રોયલ્સે તેમની સતત બે મેચ હારી હતી, પરંતુ આ બંને મેચમાં ટીમની પકડ અંત સુધી મજબૂત રહી હતી. બંને મેચમાં, ટીમને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી જ્યારે ઘણી વિકેટ બાકી હતી અને ખેલાડીઓ પણ યોગ્ય બેટ્સમેન હતા. રાજસ્થાન દિલ્હી કેપિટલ્સ સામે સુપર ઓવરમાં મેચ હારી ગયું, જ્યારે ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 2 રને હારી ગઈ. આ પછી જ બિહાનીએ ટીમ પર પ્રશ્નો ઉભા કર્યા હતા.
શું ઓછી ટિકિટ મળવી ગુસ્સાનું કારણ છે?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનને IPL 2025 દરમિયાન સામાન્ય કરતાં ઓછી ટિકિટ મળવી એ નારાજગીનું કારણ હોઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે RCA સામાન્ય રીતે દરેક મેચ માટે 1800 ટિકિટ મેળવતું હતું પરંતુ આ વર્ષે આ સંખ્યા ઓછી થઈ ગઈ છે. હવે રાજસ્થાન રોયલ્સ દ્વારા RCA ને પ્રતિ મેચ 1000 થી 1200 ટિકિટ આપવામાં આવે છે.
“સીઝનની શરૂઆતમાં, BCCI એ અમને સ્પષ્ટ સૂચના આપી હતી કે RCA વિસર્જન થઈ ગયું હોવાથી, અમે બધી વ્યવસ્થા માટે રાજસ્થાન સ્ટેટ સ્પોર્ટ્સ કાઉન્સિલ (RSSC) નો સંપર્ક કરીશું,” રાજસ્થાન રોયલ્સના નજીકના સૂત્રને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે.
સૂત્રએ વધુમાં ઉમેર્યું, “આરસીએના અસંતુષ્ટ સભ્યો અને તેમના સહયોગીઓ વધુ ટિકિટની માંગ કરી રહ્યા છે, અને અમે તેમનું સાંભળતા નથી. આ સમગ્ર નાટક પાછળનું એકમાત્ર કારણ આ છે.”
નામ ન આપવાની શરતે BCCIના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, “હાલ માટે, RCAનું વિસર્જન કરવામાં આવ્યું છે. ચૂંટણીઓ થાય ત્યાં સુધી બીજી સમિતિની રચના કરવામાં આવી છે. તેથી, ઘણું નાટક ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. BCCI પાસે એક ભ્રષ્ટાચાર વિરોધી એકમ છે જે ખરાબ તત્વોને રમતથી દૂર રાખવા માટે ચોવીસ કલાક કામ કરે છે. આ આરોપોમાં કોઈ સત્ય નથી.”
રાજસ્થાન રોયલ્સ પર મેચ ફિક્સિંગનો આરોપ
આ આરોપોના સંદર્ભમાં, રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડીને કહ્યું, “અમે આ બધા આરોપોને નકારી કાઢીએ છીએ. આવા નિવેદનો માત્ર ભ્રામક નથી પણ રાજસ્થાન રોયલ્સ ટીમ, RMPL, રાજસ્થાન રોયલ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને BCCI ની પ્રતિષ્ઠાને પણ ઊંડી ઠેસ પહોંચાડે છે. તેમણે ક્રિકેટની રમતની અખંડિતતાને કલંકિત કરી છે.” રાજસ્થાન ટીમે સ્પષ્ટતા કરી કે તે ટુર્નામેન્ટના સફળ આયોજન માટે રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલ અને BCCI સાથે મળીને કામ કરી રહી છે.