સોમવારે મહિલા T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચમાં ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમને 54 રનથી હરાવ્યું હતું. આ લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાનની હાર સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટુર્નામેન્ટમાં સફર સમાપ્ત થઈ ગઈ છે.
ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે 4માંથી 2 મેચ જીતી છે. ગ્રુપ Aમાંથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી છે. બીજા ગ્રુપમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સેમીફાઈનલ જંગ છે.
ન્યુઝીલેન્ડે 110 રન બનાવ્યા હતા
મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. જોકે, પાકિસ્તાનની મહિલા ટીમ 11.4 ઓવરમાં 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી
પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી. ઓપનિંગ બેટ્સમેન સુઝી બેટ્સ અને જ્યોર્જિયા પ્લિમરે પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. ટીમને પહેલો ફટકો 7મી ઓવરમાં લાગ્યો હતો. જ્યોર્જિયાએ 14 બોલમાં 17 રન બનાવ્યા હતા. આ પછી વિકેટોનો ધમધમાટ જોવા મળ્યો હતો. સુઝી 50ના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. તેણે 29 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી.
એમેલિયા કેરે 17 બોલમાં 9 રન, બ્રુક હેલિડેએ 22 રન, કેપ્ટન સોફી ડિવાઈને 19 રન અને મેડી ગ્રીને 9 રન બનાવ્યા હતા. ઈસાબેલા ગેજ 5 રન બનાવીને અણનમ રહી હતી. પાકિસ્તાન તરફથી નશરા સંધુએ 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય ઓમાઈમા સોહેલ, નિદા ડાર અને સાદિયા ઈકબાલે 1-1 સફળતા હાંસલ કરી હતી.